Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Wednesday, July 1, 2015

રમત રમતમાં અબજપતિ ! - માર્ક ઝુકરબર્ગ


ધારી લો કે તમે ફોગટના ભાવમાં એક સાવ ફાલતુ વેબસાઈટ શરૂ કરો છો. ત્રણ વર્ષની અંદર જ તમને યાહૂ નામની દુનિયાની ટોચની ઈન્ટરનેટ કંપનીની ઑફર મળે છે કે બૉસ, વેચવી છે તમારી સાઈટ ? રોકડા 1.6 બિલિયન ડૉલર (72.4 અબજ રૂપિયા) આપીશું.
તો શું કરો તમે ?
સહેજે છે કે આવી લલચામણી ઑફર કોઈ ન ઠુકરાવે, સિવાય કે એ માર્ક ઝુકરબર્ગ હોય. કોણ છે આ માર્ક ઝુકરબર્ગ ?
ઊંમર છે એની બાવીસ વર્ષ. અમેરિકાના ‘પાલો ઑલ્ટો’માં એ રહે. સ્કૂલનું ભણતર પૂરું કરીને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવા બેઠેલો. ત્યાં ગમ્મત ખાતર ભાઈએ www.thefacebook.com નામની વેબસાઈટ શરૂ કરી. સાઈટ બહુ પૉપ્યુલર થઈ એટલે સાહેબે ભણવાનું છોડી દીધું અને કંપનીના ચૅરમૅન અને સીઈઓ બની ગયા. 4, ફેબ્રુઆરી, 2004 ના દિવસે માર્કે એની વેબસાઈટ શરૂ કરેલી અને 2006ના અંત સુધીમાં તો યાહૂએ એને 1.6 બિલિયન ડૉલરની ઑફર આપી. આના જવાબમાં માર્કે કહ્યું કે, ‘સૉરી બૉસ, ચાલતી પકડો… મારી વેબસાઈટ કંઈ વેચવા માટે નથી !’
હાથ ઘસતી રહી ગયેલી યાહૂનો અંદાજ છે કે આજની તારીખે એક કરોડ 30 લાખ રજિસ્ટર્ડ યુઝર (વપરાશકાર) ધરાવતી www.facebook.com ની પ્રગતિ છેક 2015 સુધી ચાલતી જ રહેશે. એ વર્ષે આ સાઈટના વપરાશકારની સંખ્યા સવા પાંચ કરોડ થઈ ગઈ હશે અને અમેરિકાના 60% વિદ્યાર્થી અને 30 વર્ષથી ઓછી ઉંમરના લોકો આ સાઈટના વપરાશકાર બન્યા હશે…. આવી જ ધારણા બાંધીને અગાઉ દુનિયાના સૌથી ધનિક માનવી બિલ ગૅટ્સની કંપની માઈક્રોસૉફટે પણ માર્ક ઝુકરબર્ગની વેબસાઈટ ખરીદી લેવાના પ્રયત્ન કર્યા હતા. એ વખતે માઈક્રોસૉફ્ટના ટોચના અધિકારીઓએ મિટિંગ માટે માર્ક પાસે સવારે આઠનો સમય માગ્યો તો પેલાએ વટથી કહી દીધું કે….. ‘સવારે આઠ વાગે ? હોતું હશે કંઈ ? આઠ વાગે તો હું ઘોરતો હોઉં છું !’
ટૂંકમાં, આ મનમોજી માર્કને કૉર્પોરેટ સ્ટાઈલથી બિઝનેસ કરવામાં રસ નથી. ક્રિયેટિવ અને ધૂની એવા માર્ક ઝુકરબર્ગ અને માઈક્રોસૉફ્ટના બિલ ગૅટ્સ વચ્ચે બહુ સામ્ય છે. નાની ઉંમરે જ કમ્પ્યુટરના ખાં બની ગયેલા બિલ ગૅટ્સની જેમ જ માર્ક ઝુકરબર્ગે છઠ્ઠા ધોરણથી કમ્પ્યુટરની સામે બેસવાનું શરૂ કરી દીધેલું. એક વર્ષમાં તો એણે આપમેળે પોતાનો પહેલો કમ્પ્યુટર પોગ્રામ પણ બનાવી કાઢ્યો. બિલગૅટ્સ 19 વર્ષની ઉંમરે સૉફટવેરના બિઝનેસમાં ખાબકેલો અને માર્કે પણ 19 વર્ષનો થયો ત્યારે વેબસાઈટ શરૂ કરેલી અને બન્ને થોડા વર્ષમાં અબજપતિ બની ગયા.
બિલ ગૅટ્સની જેમ માર્ક પણ કમ્પ્યુટર પર પોતાની સાઈટ માટે કંઈ નવું બિઝનેસ મોડેલ તૈયાર કરતો હોય ત્યારે સતત ત્રણ ત્રણ રાત સૂતો નથી. ક્યારેક એ સવારે આઠ વાગે ઊઠી જાય તો ક્યારેક સવારે આઠ વાગે સૂવા જાય….! ખાવા-પીવાનાં ઠેકાણાં તો હોય જ શાનાં ? ન્યૂઝવીક નામના મૅગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં માર્ક ઝુકરબર્ગ કહે છે :
‘બ્રેકફાસ્ટ કેવો હોય એ તો મેં વર્ષોથી જોયો જ નથી. ક્યારેક જ હું સવારના ભાગમાં કોઈ બિઝનેસ મિટિંગમાં ગયો હોઉં ત્યારે ચર્ચા કરતાં કરતાં નાસ્તો કરવાની તક મળે. બાકીના દિવસોમાં લેટ લંચ, લેટ ડિનર અને વહેલી સવારે સેકન્ડ ડિનર.’
આટલું જાણ્યા પછી હવે માર્કની વેબસાઈટ www.facebook.com વિશે જાણીએ.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં એ ભણતો હતો ત્યારની વાત છે. માર્ક કહે છે :
‘હાર્વર્ડમાં તમે બહુ મિત્ર ન બનાવી શકો. કૅમ્પસમાં તમારી પડખેના બિલ્ડિંગમાં કોણ છે એની તમને ખબર ન પડે, કારણ કે કયા વિદ્યાર્થીને કઈ ડૉરમેટરી કે રૂમ આપવામાં આવ્યો છે, એ શું ભણે છે એનો ડેટાબેઝ કે લિસ્ટ બનાવવાનું કોઈને સૂઝેલું જ નહીં. મેં વિચાર કર્યો કે એવી એક ઑનલાઈન ડિરેકટરી બનાવું, જેમાં બધા વિદ્યાર્થી પોતાનો પ્રોફાઈલ અપલોડ કરે. પછી જેને જેની સાથે દોસ્તી બાંધવી હોય એ બાંધી શકે, જ્ઞાન-માહિતીનું આદાન-પ્રદાન કરી શકે. આ વિચાર આવતાં જ હું કમ્પ્યુટર પર બેસી ગયો અને અઠવાડિયામાં સાઈટ તૈયાર !’
માર્કે www.facebook.com લૉન્ચ કરી એનાં ત્રણ અઠવાડિયામાં હાર્વર્ડના અડધોઅડધ સ્ટુડન્ટ એના રજિસ્ટર્ડ યુઝર બની ગયા. પછી તો એની ઉપયોગિતા અથવા તો એન્ટરટેન્મેન્ટ વેલ્યૂની વાત ફેલાતી ગઈ અને અમેરિકા તો ઠીક, પણ ઈગલૅન્ડની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વિદ્યાર્થી પણ એમાં જોડાયા. અહીં એક આડ વાત. ટીવી પર ચાલતા રિયાલિટી શૉ જોવાનું જેમ ઘણાને વળગણ હોય છે એમ ઈન્ટરનેટિયાઓને અજાણ્યા લોકોના પ્રોફાઈલ વાંચવામાં અને એમની સાથે ચૅટ કરવામાં આનંદ આવતો હોય છે. આવા રસિયાઓ માટે www.facebook.com બહુ ઉપયોગી છે.
વેબસાઈટ શરૂ કર્યા બાદ માર્કે ‘વાયરહૉગ’ નામનો એક સુપરહિટ પ્રોગ્રામ એની સાઈટ પર મૂકેલો, જેના થકી બીજાનાં કમ્પ્યુટરમાં ઘૂસ મારી શકાય (અલબત્ત, એની સંમતિથી) અને એમાં રહેલી ફાઈલ, મ્યુઝિક વગેરે ડાઉનલોડ કરી શકાય.
અત્યારે માર્કની કંપનીમાં સેંકડો એન્જિનિયર, પ્રોગ્રામર અને સપોર્ટ સ્ટાફ કામ કરે છે. એ બધાને કંપની તરફથી નાસ્તો, જમવાનું ટોટલી ફ્રી. કોઈ માંદુ-સાજું થાય ત્યારે સારવાર, દવાદારૂનો ખર્ચ પણ કંપની જ ભોગવે. આટલું જ નહિ, આ મોજીલો બિઝનેસમેન માર્ક વખતો વખત બધાને પાર્ટી પણ આપે અને આનંદથી બિઝનેસ કરે. છે ને રમત રમતમાં અબજપતિ !

No comments:

Post a Comment